Monday, Aug 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર સેક્સ્યુઅલ એડિક્શન

સેક્સ્યુઅલ એડિક્શન

‘સેક્સ’ના વ્યસન તથા તેની સારવાર વિશે થોડું જાણીએ.

૪૦ વર્ષના યુવાન બિઝનેસમેન ‘આર’ને એક સુંદર પત્ની તથા બે બાળકોથી મહેકતો પરિવાર છે. છતાં તેને એવી ટેવ પડી ગઈ છે કે જ્યારે જ્યારે ધંધાર્થે મુંબઈ જવાનું થાય ત્યારે કોલગર્લની મુલાકાત લીધા વિના ચાલતું નથી. વેશ્યાગમનની પ્રવૃત્તિથી થતા સિફિલિસ, ગોનોરિયા જેવા રોગો તેમને બે વાર થઈ ચૂક્યા છે. ડોક્ટરે તેમને એઈડ્સથી બચવા આવું ન કરવા વારંવાર ચેતવણી પણ આપી છે. તેમ છતાં મિ. ‘આર’થી આ ટેવ છૂટતી નથી. તેઓને પોતાને જાતીય રોગનો એટલો ડર પેસી ગયો છે કે મુંબઈની પ્રત્યેક મુલાકાત બાદ તેઓ ડોક્ટરને મળીને શરીર ચેક કરાવી લે છે, પણ પોતાની કુટેવ છોડવા અંગે લાચાર છે.

૪૫ વર્ષના સેલ્સ એક્ઝિક્યુટિવ‘પી.એન.’ની વાત સહેજ જુદી છે. પોતાના લગ્ન જીવનના બીજા જ વર્ષમાં તેને પોતાના એક નજીકના મિત્રની પત્ની સાથે ‘અફેર’ થવાથી તેમનું લગ્નજીવન તૂટતાં રહી ગયું. આખું મિત્રવર્તુળ ‘પી.એન.’થી અલગ થઈ ગયું. તેમ છતાં પણ પાંચેક વર્ષ બાદ ફરીથી એવા જ એક પ્રકારનો લગ્નેતર સંબંધ ‘પી.એન.’ બાંધી બેઠો. દુઃખની વાત તો એ હતી કે પોતાના આવા વલણથી જ્ઞાત હોવા છતાં ‘પી.એન.’નું લગ્નજીવન, આવા લગ્નેતર સંબંધોને કારણે તૂટતાં તૂટતાં રહી ગયું. તેની પોતાની પ્રતિષ્ઠા ઝાંખી થઈ તે જુદું. અને સૌથી દુઃખદ વાતતો એ હતી, આવું કરવામાં શરમ અનુભવતો હોવા છતાં તે પોતાને રોકી શકતો નહતો.

આવી જ પણ સહેજ અલગ પ્રકારની વાત. ૨૮ વર્ષની આકર્ષક છોકરી મિસ ‘એચ.’ની છે. પોતાના સોહામણા દેખાવ તથા ચંચળ વ્યક્તિત્વને કારણે મિસ ‘એચ.’ને કોલેજકાળ દરમિયાન અનેક મિત્રો હતાં. પણ મિસ ‘એચ.’ તેમાંના એકેય સાથે ઊંડાણપૂર્વકના સંબંધ કેળવી શકી નહીં. તેની મુશ્કેલી એ હતી કે કોઈ પણ છોકરા સાથે અમુક આત્મીયતા બંધાયા બાદ તે એનાથી કંટાળી જતી અને તેને નવી કંપની શોધવાની જરૂર પડતી, જે તરત મળી પણ જતી. પરિણામે ૨૮ વર્ષની ઉંમરે આજે મિસ એચ. વારાફરતી ઘણા બધા સાથે જાતીય સંબંધો બાંઘ્યા બાદ પણ લગ્ન કરીને સ્થિર થઈ શકી નથી, અને તેના દિવસનો મોટા ભાગનો સમય, જુદા જુદા પુરૂષમિત્રો સાથે ઉપરછલ્લા શારીરિક સંબંધો બાંધીને ક્ષણિક આનંદ લેવામાં જ વ્યતીત થઈ જાય છે.

છેલ્લો કિસ્સો એક તરવરતા યુવાન ‘ક’નો છે. ‘ક’ની મુશ્કેલી એ છે કે લગ્ન પહેલાં તેને જ્યારે જ્યારે જાતીય આવેગો આવતા ત્યારે ત્યારે તે સ્ત્રી-પુરૂષની સમાગમક્રિયા ગુપ્ત રીતે નિહાળીને જાતીય આનંદ મેળવતો. પોતાના એ ઉત્તેજિત કાળમાં એણે જાતીય આનંદ માટે સ્ત્રીઓનાં વસ્ત્રો પહેરવાં, બાળકો સાથે જાતીય ચેડાં કરવાં વગેરે પ્રકારની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.

પણ તકલીફ એ થઈ કે લગ્ન પછી સુંદર, પ્રેમાળ પત્ની મળવા છતાં પણ તેની એ હરકતો ચાલુ જ રહી. ‘ક’ને પત્ની સાથેના સ્વસ્થ જાતીય સંબંધોમાં રસ પડવાને બદલે પોતાની વિચિત્ર ટેવો દ્વારા સેક્સ્યુઅલ એક્સાઈટમેન્ટ મેળવવામાં જ આનંદ આવતો. અને તે એટલી હદે કે આખો દિવસ ગુપ્ત રીતે આવી જાતીય પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહેનાર આ યુવાન રાત્રે પોતાની પત્ની પાસે જતાં અપરાધભાવ, ડર, શરમ, અપાકર્ષણ અને લાચારી અનુભવતો. તેમ છતાં એ પોતાની ટેવ છોડી શકતો નહોતો.

ઉપલા કિસ્સાઓમાં વેશ્યાગમન, લગ્નેતર સંબંધો, બહુગામિત્વ તથા જાતીય વિકૃતિઓનો ચિતાર છે. આ દરેક કિસ્સામાં આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે પોતાની અનેક કુટેવોને લીધે વ્યક્તિ સહન કર્યા કરે છે. ક્યાં તો વ્યક્તિ જીવનસાથી મેળવી નથી શકતી, અથવા મેળવી શકે તો તેને સુખી નથી કરી શકતી. તે પોતાના શરીરને, કૌટુમ્બિક જીવનને અથવા તો પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આ બઘું જ સમજે છે અને તેમ છતાં તે પોતાની હરકતો છોડવા અસમર્થ હોય છે. અને એટલે જ તેની હરકતો, ટેવોને વ્યસનની કક્ષામાં મૂકવી પડે છે. જેમ દારૂ, ચરસ, અફીણ જેવા પદાર્થો લેનાર વ્યક્તિને ‘રાસાયણિક વ્યસન’ હોય છે તેમ આવી ટેવો ધરાવનાર વ્યક્તિને ‘જાતીય વ્યસન’ (સેક્સ એડિક્શન) હોવાનું મનાય છે. ‘સેક્સ્યુઅલ એડિક્શન’ની વિભાવના છેલ્લા દાયકામાં જ આકાર પામી છે. જેનીફર સ્નીડરનો આ વિષયની છણાવટ કરતો લેખ ‘પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસીન’ના ચારેક વર્ષ પહેલાંના નવેમ્બર મહિનાના ઈસ્યુમાં ક્રેડિટ આર્ટિકલ તરીકે સ્થાન પામ્યો છે. ગુડમેન નામના સંશોધકે સૂચવ્યું છે કે જે રીતે ‘ડ્રગ એડિક્શન’ના દર્દીઓમાં આત્મસંયમનો અભાવ, કન્ટ્રોલ જાળવવાના સામર્થ્યનો અભાવ, કમ્પલ્ઝિવ વર્તણૂક, એક જ પ્રવૃત્તિમાં સંડોવાતું ચિત્ત તથા ખરાબ પરિણામો જાણવા છતાં એ વ્યસન છોડવાની અશક્તિ હોય છે. તેવું જ સેક્સ્યુઅલ એડિક્શનમાં પણ હોય છે. વળી ‘કમ્પલ્ઝિવ ઓવરઈટિંગ’ (બુલિમિયા) ‘કમ્પલ્ઝિવ સ્પેન્ડિંગ’ ‘કમ્પલ્ઝિવ સ્ટીલિંગ’ તથા ‘કમ્પલ્ઝિવ ગેમ્બલિંગ’ નામના માનસિક રોગો જેમાં વ્યક્તિને ખાવા, ખર્ચવા, ચોરી કરવા કે જુગાર રમવાની ટેવ પડી જાય. તેનેય આ પ્રકારના રોગો માનવાનું સૂચન થયું છે.

આજના અમેરિકન સમાજમાં ૩ થી ૬ ટકા લોકોને સેક્સનું એડિક્શન છે. એડિક્શનની સ્થિતિ કેવળ માત્રાથી નક્કી થતી નથી. મોટા ભાગના સેક્સ એડિક્ટસની કામવાસના અન્ય લોકો જેટલી જ માત્રામાં હોય છે. અર્થાત્ મોટા ભાગના સેક્સ એડિક્ટસ હાઈપર સેક્સ્યુઅલ (વઘુ પડતી જાતીયતાવાળા) નથી હોતા. પણ તેઓની સેક્સ સંતોષવાની રીતો અરૂઢ, અમાનવીય, ગેરકાયદેસર અથવા તો પ્રચલિત સામાજિક વહેણોથી વિરૂદ્ધની હોય છે.

મિ. એક્સને એવી ટેવ હતી કે બસમાં, ટ્રેનમાં, પ્રવાસમાં, પિકનિકમાં કે અન્ય સ્થળોએ એકલી દેખાતી સ્ત્રીઓનો પીછો કરવો અને તેને ફોસલાવીને પટાવીને ગમે તે ભોગે તેની સાથે જાતીય સાહચર્ય માણવું. મહત્વની વાત એ હતી કે મિ. એક્સને તે સ્ત્રી સાથે જાતીય સમાગમમાં એટલો આનંદ ન હોતો આવતો જેટલો આનંદ તે સ્ત્રીને પોતાની સાથે શરીરસુખ માણવા માટે રાજી, તૈયાર કરવામાં આવતો. અને એ જ તો મુદ્દો છે. સેક્સ એડિક્ટસને આવી નીતિરીતિઓમાંથી જાણે રીતસરનો નશો મળતો હોય તેમ તેઓ વારંવાર તે અનુભવમાંથી પસાર થવા તત્પર હોય છે. તે ન મળે તો અકળાઈ ઊઠતા હોય છે અને એવો રોમાંચપૂર્ણ અનુભવ મેળવવા ગમે તેવું જોખમ ઉઠાવવા સુઘ્ધાં તૈયાર થઈ જતા હોય છે.

કાર્ન્સ નામના થેરાપિસ્ટે ‘એડિક્ટિવ સેક્સ’ના દર્દીઓને અગિયાર વિભાગમાં વહેચીં નાખ્યા છે અને તેઓમાં જોવા મળતી સેક્સ એડિક્શનની જુદી જુદી તરાહોનો અભ્યાસ કર્યો છે. તેમાં શૈયાસાથી ઉપસ્થિત હોવા છતાં જાતીય પરિકલ્પનાઓમાં જ ડૂબેલા રહેનારાઓનો, સેક્સ પાર્ટનર હોવા છતાં એકલા એકલા જ જાતીય સુખ માણવાનું પસંદ કરનારાઓનો, ફ્લર્ટ-સીડક્શન જેવી પ્રવૃત્તિ પાછળ જ સમય-શક્તિ-નાણાં વેડફનારાઓનો, પૈસા આપીને સેક્સ ખરીદનારાઓનો, અજાણી વ્યક્તિ સાથેના સમાગમમાંથી આનંદ મેળવનારાઓનો, સેક્સ્યુઅલ એક્સાઈટમેન્ટ માટે પોતાના શરીરનું જાતીય પ્રદર્શન કરનારાઓનો, અન્યની જાતીય પ્રવૃત્તિ (ચિત્રોમાં, ફિલ્મમાં કે વાસ્તવિક) નિહાળવામાં જ રચ્યાપચ્યા રહેનારાઓનો, બાળકો-પશુઓ કે પદાર્થોમાંથી જાતીય ઉત્તેજના મેળવનારાઓનો, પોતાનાં સામર્થ્ય, સ્થિતિ કે શક્તિ દ્વારા અન્યોનું જાતીય શોષણ કરનારાઓનો, સેક્સ્યુઅલ પ્લેઝર માટે અન્યોની જાણ કે મંજૂરી વગર તેમને શરીરસ્પર્શ કરનારાઓનો-વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેક્સ્યુઅલ ઓડિક્ટસ અંગે થયેલા અભ્યાસોમાં જે ચોંકાવનારી વાતો બહાર આવી છે તે એ છે કે આવા દર્દીઓમાંથી ૮૦ ટકા દર્દીઓનાં મા-બાપ પણ સેક્સએડિક્ટ જ હતાં. વળી ઘણાં એડિક્ટસનું બાળવયે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. લગભગ બધાં જ એડિક્ટસ ક્યાં તો ખૂબ જડ, લાગણીહીન, શુષ્ક, રૂઢિચુસ્ત કુટુંબમાંથી અથવા તો જાતીયતાનો વઘુ પડતો ઉપભોગ થતો હોય એવા કુટુંબોમાંથી આવતાં હતાં.

જાતીય વિકૃતિઓને ‘પેરાફિલિયા’ પણ કહેવામાં આવે છે. બધા એડિક્ટસ વિકૃત નથી હોતા. પણ કેટલાકમાં એકથી વધારે વિકૃતિઓ (પરવરઝન્સ)નું મિશ્રણ જોવાં મળે છે. ઉપર દર્શાવાયેલી વિકૃતિઓ ઉપરાંત પણ ‘પીડા આપવા કે અનુભવવાથી જ જાતીય આનંદ મળે’, ‘અશ્વ્લીલ વાક્યો ફોન ઉપર કોઈને સંભળાવવાથી સેક્સ્યુઅલ એક્સાઈટમેન્ટ મળે’ વગેરે અનેક પ્રકારની વિકૃતિઓ જોવા મળી છે. અસામાન્ય પ્રકારની એક વિકૃતિ ધરાવતા દર્દીઓને પોતાને ગળે દોરી બાંધીને જાતીય એક્સાઈટમેન્ટ મેળવવાની ટેવ પડી ગઈ હોય છે. એવું મનાય છે કે ગળે દોરી બંધાવાથી મગજમાં લોહી ઓછું પહોંચે છે જેને લીધે દર્દી ઉત્તેજના અનુભવે છે. ‘હાઈપોક્સિફિલિઆ’ તરીકે ઓળખાતી આ બિમારીનાં દર્દીઓ તેમની ટેવ પાછળ રહેલું જોખમ નથી સમજતાં,

સેક્સ્યુએલ એડિક્ટ્સનાં જીવનસાથીઓને ‘કોએડિક્ટસ’ કહેવામાં આવે છે. તેઓ અપાર હતાશા, નિરાશા તથા લાચારીની મનોદશામાંથી પસાર થતાં હોય છે. તે એટલે સુધી કેટલીક વાર પોતાના જીવનસાથીના એડિક્શન માટે તેઓ પોતાને જવાબદાર તથા કસૂરવાર ઠેરવવા લાગે છે. તેઓ એડિક્ટસની બધી ગેરવર્તણૂકોને સહન કરે છે અથવા ચલાવી લે છે. એટલું જ નહીં, ક્યારેક તેમાં આડકતરી રીતે સહભાગી પણ બને છે. બાળકોનું, પાડોશીઓનું, અવલંબિત વ્યક્તિઓનું તથા હાથ નીચે કામ કરતી વ્યક્તિઓનું ‘સેક્સ્યુઅલ એક્સ્પ્લોઈટેશન’ કરનારા ‘એડિક્ટ’ પતિઓને ઘણી પત્નીઓ એટલા માટે ચલાવી લેતી હોય છે કે તેઓને સમાજનો, ત્યજાઈ જવાનો તથા ભાવિનો ડર હોય છે. અને એટલે જ ઘણી ‘કોએડિક્ટ’ પત્નીઓ આજકાલ ફેશનેબલ ગણાતી ‘સ્વિગિંગ સેક્સ’ (પાર્ટનર ચેઈન્જ) તથા ‘ગુ્રપ સેક્સ’ જેવી પ્રવૃત્તિઓમાં તેમના એડિક્ટ પતિઓને અનિચ્છાએ પણ સહકાર આપતી જોવા મળે છે.

ઘણી ‘સેક્સ એડિક્ટ’ વ્યક્તિઓ સાથે ‘ડ્રગ એડિક્ટ’ પણ હોય છે. તેઓ ‘કોકેઈન’ અથવા ‘એમ્ફેટેમાઈન’ જેવી ઉત્તેજક દવાઓ લઈને પોતાના સેક્સ એડિક્શનને વઘુ સતેજ બનાવે છે. દારૂ છોડી દેનાર એક આલ્કોહોલિક માણસે બે વર્ષ બાદ ફરી દારૂ પીવાનું ચાલુ કરતી વખતે જણાવ્યું ઃ ‘‘મારી મૂળ તકલીફ તો સેક્સ એડિક્શનની હતી. મસાજ પાર્લરોમાં, નાઈટ ક્લબોમાં તથા ગે પાર્લરોમાં ભટકવાનું અને પોર્નો ફિલ્મ કે સ્ટ્રીપ શોઝ જોવાનું મને વ્યસન હતું. અલબત્ત, દારૂની સાથે મેં આ કુટેવો પણ છોડી દીધી હતી. પણ બે-એક વર્ષ બાદ મારી જાતીય વૃત્તિઓ બેકાબૂ બની જતાં મેં ફરી મારી જૂની સેક્સ્યુઅલ પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. પણ મને ત્યારબાદ એટલો પસ્તાવો, શરમ, હીનપણા અને આત્મપીડનનો અનુભવ થયો કે તે ભૂલવા મેં ફરી દારૂ પીવાનું શરૂ કરી દીઘું’’ સેક્સ એડિક્શનનું નિદાન એટલા માટે ચૂકી જવાતું હોય છે કે ડોક્ટરો એ અંગેના પ્રશ્નો ભાગ્યે જ પૂછતા હોય છે.

પરંતુ ક્યારેક આકસ્મિક રીતે પણ એ નિદાન થઈ જતું હોય છે. એક યુવતીને તેનાં માથાના દુખાવા, ગભરામણ, કળતર, બીક તથા અપચા માટે સારવાર આપવામાં આવી રહી હતી. તેની વઘુ તપાસ માટે જ્યારે પતિ સાથે આવવાનો આગ્રહ સેવવામાં આવ્યો ત્યારે યુવતીની આંખમાં આંસુ આવી ગયાં. પહેલીવાર તેણે જણાવ્યું કે તેના પતિ તેની કાળજી લેતા જ નથી. તેઓ કાયમ બ્લ્યૂ ફિલ્મો જોવામાં જ વ્યસ્ત રહે છે અને આખો દિવસ અશ્લીલ જોક્સ, બીભત્સ સાહિત્ય, ચિત્રો વગેરેના વાંચનમાં જ રચ્યા પચ્યા રહે છે. આમ, તે યુવતીની બિમારીનું કારણ પણ તેના પતિનું ‘સેક્સ એડિક્શન’ જ હતું.

આજે જ્યારે સેક્સ એડિક્શનને પણ અન્ય વ્યસનોની જેમ એક રોગ તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે ત્યારે તેની સારવારનો મુદ્દો વધારે મહત્ત્વનો બની જાય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં બોસ્ટન વગેરે સ્થળોએ ‘સેક્સ એડિક્ટસ એનોનિમસ’ જેવાં સમૂહ સારવાર કેન્દ્રો ચાલે છે, જેમાં આવા દર્દીઓ ભેગા મળીને પોતાના પ્રશ્નો ચર્ચીને તેને ઉકેલવા મથે છે. કેલિફોર્નિયામાં સેક્સ એડિક્ટસના જીવનસાથીઓ (કોએડિક્ટસ) માટેનાં પણ ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ સ્થપાયાં છે, જેમાં તેઓ પોતાના વ્યસની જીવનસાથીઓને મદદ કરવા મથે છે. આવાં કેન્દ્રોમાં કામ કરતાં ડૉક્ટરોનો અનુભવ કહે છે કે જે એડિક્ટની સારવારમાં તેનાં પતિ/પત્નીનો સાથ લેવામાં નથી આવતો તેમાં સારૂં પરિણામ નથી મેળવી શકાતું.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source: service.gurjardesh.com

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ